Monday, August 23, 2010

NRIને મતાધિકાર માટેનો ખરડો રાજ્યસભામાં રજૂ


નવી દિલ્હી, તા. ૨૧

વિદેશમાં રહેતાં ભારતીયોને મતાધિકાર આપવા માટેનો એક ખરડો આજે રાજ્યસભામાં દાખલ કરવામાં આવ્યો હતો. આનાથી દેશની લોકશાહી પ્રક્રિયામાં બિન રહેવાસી ભારતીયો કાયદેસરનું તેમનું યોગદાન આપી શકશે.

રિપ્રેઝેન્ટેશન ઓફ પીપલ (એમેન્ડમેન્ટ) બિલ, ૨૦૧૦ને રજૂ કરતાં કાયદા પ્રધાન એમ. વીરપ્પા મોઇલીએ તેની વિગતોનો પણ ખુલાસો કર્યો હતો. તેમાં એનઆરઆઇને કેવી રીતે મતાધિકાર આપવા અને ચૂંટણીઓ લડવા માટે તેમને ક્યાં પ્રકારની શરતોનું પાલન કરવાનું રહેશે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ તેમણે આ જ સૂચિત ઠરાવના ૨૦૦૬ના મુસદ્દાને પાછો ખેંચી લીધો હતો. તે માટે તેમનું એવું કહેવું હતું કે તેમાં એનઆરઆઇને મતાધિકાર આપવા અંગેની પદ્ધતિઓની વિગતો નહતી. તેની જગ્યાએ આ નવો ખરડો વધુ સર્વગ્રાહી છે અને તેમાં અન્ય કેટલીક બાબતોને પણ આવરી લેવામાં આવી છે.

* લોકશાહીમાં ભાગીદારી વધારવા લેવાયેલો નિર્ણય

બિન રહેવાસી ભારતીયો સતત મતાધિકારના હક્કો મેળવવાની માગણી કરી રહ્યા છે તે બાબતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે આ મુદે કેન્દ્ર સરકાર છેલ્લાં કેટલાક વખતથી ધ્યાન આપી રહી છે. પરંતુ મતાધિકારના ચોપડે તેમને નોંધવામાં અને ભારતની બહારથી મતો આપવાની મંજૂરી આપવામાં કેટલાક વ્યવહારુ મુશ્કેલીઓને કારણે એ માગ સંતોષી શકાઇ ન હતી.

તેમણે ઉમેર્યું હતું કે વિદેશમાં રહેતાં ભારતીયોએ કરેલી માગણી મુજબ મતાધિકારનો હક્ક એ કાયદેસરનો છે અને આ પ્રકારના હક્કો તેમને અપાશે તો તેઓ દેશની લોકશાહી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે. કાયદા અને ન્યાય અંગેની સંસદની સ્થાયી સમિતિએ ૨૦૦૬ના ખરડાની ચકાસણી કરી હતી અને આ મુદ્દેે એક સર્વગ્રાહી ખરડો લાવવાની ભલામણ કરી હતી.

સમિતિની ભલામણોને જોતાં ૨૦૦૬ના ખરડાને પાછો ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને સંસદના ચાલુ સત્રમાં એક નવો ખરડો દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમ મોઇલીએ ઉમેર્યું હતું.