Monday, May 2, 2011

સ્વર્ણિમ વર્ષથી સ્વર્ણિમ યુગમાં પ્રયાણ : શ્રી નરેન્દ્રભાઈ મોદીગાંધીનગર, તા. ૩૦ એપ્રિલ, ૨૦૧૧

અત્યાર સુધી મુંબઈ પ્રોવિન્શ્યિલ એક્ટ અન્વયે જે કાયદાઓ હતા તે હવે ગુજરાત પ્રોવિન્શ્યિલ એક્ટના નામે આવતીકાલે ૧લી મેથી અમલી બનશે. મુંબઈ રાજ્યના કાયદા તરીકે ઓળખાતા તમામ કાયદાઓને ગુજરાત રાજ્યના કાયદા બનાવવામાં આવ્યા હોવાનું રાજ્યનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર મહાત્મામંદિર ખાતે યોજાયેલા એનઆરજીના સંમેલનમાં ઘોષિત કર્યું હતું. આવતીકાલે સ્વર્ણિમ ગુજરાતનો સ્થાપનાદિન છે ત્યારે ગુજરાતના અભિમાનને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ સ્વર્ણિમ ભેટ આપતી આ જાહેરાત કરી હતી. વિધાનસભામાં આ બીલ પસાર કરવામાં આવ્યું હતું. જેનો અમલ આવતીકાલ ૧લીમેથી શરૂ થશે. વધુમાં તેમણે એક બીજી પણ જાહેરાત કરી હતી કે ગુજરાતની હાઈકોર્ટમાં હવે ચુકાદા ગુજરાતી ભાષામાં આવશે. વિધાનસભામાં બીજી મહત્ત્વનું બીલ આ પણ પસાર કરવામાં આવ્યું હતું.

* ગાંધીનગરમાં એનઆરજી સંમેલન

સ્વર્ણિમ જયંતી વર્ષના સમાપન પ્રસંગે આજે યોજાયેલા એનઆરજી સંમેલન દરમિયાન મહાત્મા મંદિરને પ્રેરણા તરીકે તથા સચિવાલયને પુરુષાર્થ અને પંચામૃતભવનને પરિણામ તરીકે ઓળખ આપતાં જણાવ્યું હતું કે,સ્વર્ણિમ જયંતી વર્ષનું આજે ૩૦મી એપ્રિલે સમાપન થાય છે. પરંતુ આવતીકાલ ૧લી મેથી ગુજરાતના સ્વર્ણિમ યુગનો આરંભ થઈ રહ્યો છે. સ્વર્ણિમ જયંતીનું આ વર્ષ એક રીતે સ્વર્ણિમ યુગનો શિલાન્યાસ છે. અને આ સાથે હવે દેશના વિવિધ રાજ્યો અને વિદેશમાં વસતા ગુજરાતી સ્વર્ણિમ યુગના નિર્માણ માટે સંકલ્પ કરે તેવું મુખ્યમંત્રીએ ઉપસ્થિત બિનનિવાસી ગુજરાતીઓને કહ્યું હતું.

મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યના પ્રારંભે વિધાનસભાના અધ્યક્ષ સ્વ. અશોક ભટ્ટને યાદ કરી એક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ખાલી પડેલા અધ્યક્ષપદે એક આદિવાસી દીકરો છે તેમ જણાવી નવા નિમાયેલા અધ્યક્ષ ગણપત વસાવાને બીરદાવ્યા હતા. આજનો આ એનઆરજી સંમેલન વિશ્વભરમાં પથરાયેલા અને ગુજરાતને પ્રેમ કરનાર તમામ નાગરિકનો આભાર માનવા- વંદન કરવા રાખવામાં આવ્યો હોવાનં જણાવી ગુજરાત સ્વર્ણિમ જયંતી વર્ષને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં વિવિધ કાર્યક્રમો યોજી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે તેને બીરદાવી હતી. એટલું જ નહીં આ સમગ્ર ઉમંગને વૈશ્વિક શક્તિમાં પરિવર્તિત કરવો છે તેવું લાગણીવશ શબ્દોમાં કહી આ તાર જે જોડાયા છે તે ડિસકનેક્ટ ન થવા જોઈએ અને સ્વર્ણિમજયંતી વર્ષમાં ફરી એક વાર એવી રીતે લાગણીના તાંતણે જોડાઈએ જેનાથી આગામી વર્ષો સુધી સાથે મળી રાજ્ય અને દેશ માટે એક શક્તિ બની રહે તેવું કંક કરવાની અભિલાષા બીનનિવાસી ગુજરાતીઓ સમક્ષ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

એક આખી નવી પેઢીને ગુજરાતની ઓળખ મળે તેવા આશયથી આગામી ૩જીમેથી ગુજરાત ક્વિઝ નામનો બીજો નવો કાર્યક્રમ શરૂ કરાશે અને તે અંગેની વેબસાઈટ પણ લોન્ચ કરાશે તેવી એક મહત્ત્વની જાહેરાત આજના આ એનઆરજી સંમેલનમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. દેશના જુદા જુદા રાજ્યો અને વિવિધ દેશોમાં વસતા ગુજરાતીઓના સંતાનો આ ‘ઓનલાઈન ગુજકાત ક્વિઝ કોમ્પીટીશન’માં ભાગ લે તેવી અપીલ કરી હતી. નવી પેઢીને ગુજરાતનું શિક્ષણ પ્રાપ્ત થાય, ગુજરાતનું બાઈન્ડિંગ બને તેવો હેતુ આ ક્વિઝ કોમ્પીટીશન પાછળનો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સ્પર્ધા આગામી જૂન સુધી ચાલશે.

આજે સચિવાલયથી મહાત્મામંદિર સુધીના માર્ગ પર આજે વિશાળ માર્ચપોસ્ટ અને મશાલ રેલીનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ પણ યોજાઈ ગયો. દિલ્હીમાં પ્રજાસત્તાકદિન તથા સ્વાતંત્ર્ય દિનના દિવસે ઈન્ડિયા ગેટ ખાતે યોજાતી પરેડનો અહેસાસ આજે ગાંધીનગરમાં આ દૃશ્યને જોનારાઓએ કર્યો હતો.